મુખડાની માયા લાગી રે મોહન પ્યારા
મુખડાની માયા લાગી રે
મુખડું મેં જોયું તારું જગ સર્વ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા ---મુખડાની
સંસારી નું સુખ એવું ઝાંઝવાના નીર જેવું
તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા ----મુખડાની
સંસારી નું મુખ કાચું પરણીને રંડાવું પાછું
તેને ઘેર શીદ જઈએ રે મોહન પ્યારા ---મુખડાની
પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો
રાંડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા ----મુખડાની
મીરાંબાઈ બલિહારી આશા મને એક તારી રે
હવે હું તો બડભાગી રે મોહન પ્યારા --મુખડાની