મારૂં ઘર સાચવજે ગોવિંદા મારા આંગણિયા માં ખેલે રે
હું જમુના પાણી જાવું છું હું હમણાં દોડી આવું છું
મેં ડેલી ખાલી વાસી છે ---મારૂં
ગોપી તો જળ ભરવા ચાલ્યા રસ્તા માં સાસુ સામા મળીયા
વહુ કોના ભરોંસે ઘર મેલ્યા રે ---મારૂ
નંદજી નો છોરો રમે છે મારા લાલા સાથે ખેલે છે
મેં તો એના ભરોંસે ઘર મેલ્યા રે ---મારૂં
એ છોરો તો બહુ લુચ્ચો છે લુચ્ચો છે ને વળી જુઠ્ઠો છે
શીદ એના ભરોંસે ઘર મેલ્યા રે ---મારૂં
બાયજી આડું અવળું ના બોલો એ છોરો બહુ ડાહ્યો છે
મારા કાળજડા ની કોર છે ---મારૂં
ગોપી તો જળ ભરવા ચાલ્યા ત્યાંતો ભુદરે ભુવન ઉઘાડ્યાં છે
શીકે થી માટ ઉતાર્યા છે ---મારૂં
ગોપી તો જળ ભરીને આવ્યાં કાના ના તોફાનો દીઠા રે
મારા ઘરમાં તો રેલમછેલ રે ---મારૂં
મારી મહીં ની ગોળી ફોડી છે મારી ચૂલા ની તાવડી તોડી છે
મારા રસોડા અભડાવ્યાં છે ---મારૂં
ઓશિયાળા થઈ ને ઉભા છે બહુ રોતાં રોતાં ઉભા છે
જશોદા મા એ તેડી લીધા છે ---મારૂં
શ્રી વલ્લભ નો સ્વામી શામળિયો ભક્ત મંડળ નો રખવાળો
મારી આંખલડી નો તારો છે ---મારૂં