મીઠાં મધુને મીઠાં મેહુલા રે લોલ
એથી મીઠી છે મોરી માત રે
જનની ની જોડ સખી નહિ મળે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ
જગથી જુદેરી એની જાત રે ---જનની ની
અમી થી ભરેલી આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે ---જનની ની
હાથ ગૂંથેલા એનાં હીર ના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે ---જનની ની
દેવો ને દૂધ એનાં દોહ્યલાં રે લોલ
શશી એ સિંચેલ એની સોડ્ય રે ---જનની ની
જગ નો આધાર એની આંગળી રે લોલ
કાળજાં માં કૈંક ભર્યા કોડ રે ---જનની ની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળ ના બાંધેલ એના પ્રાણ રે ---જનની ની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતાં ખૂટે ના એની લ્હાણ રે ---જનની ની
ધરતી માતા યે હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે ---જનની ની
ગંગા ના નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમ નો પ્રવાહ રે ---જનની ની
વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ
માડી નો મેઘ બારે માસ રે ---જનની ની
ચળતી ચંદા ની દીસે ચાંદની રે લોલ
એનો નહિ આથમે ઉજાસ રે ---જનની ની