જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનોને દેવળ જૂનું તો થયું
આ રે કાયા રે હંસા ડોલવાને લાગી રે
પડી ગયા દાંત માંયલી રેખું તો રહ્યું ----મારો
તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે
ઊડી ગયો હંસલો પિંજર પડી રે રહ્યું ---મારો
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં -----મારો