અખિલ બ્રહ્માંડ માં એક તું


અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રીહરિ જૂજવે રૂપ અનંત ભાસે
દેહમાં દેવ તું તેજમાં તત્ત્વ તું શૂન્ય માં શબ્દ થઇ વેદ વાસે

પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વ્રુક્ષ થઇ ફૂલી રહ્યો આકાશે
વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એજ આશે

વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે કનક કુંડળ વિષે ભેદ નોયે
ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે


ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી જેહ ને જે ગમે તેને પૂજે
મન કર્મ વચનથી આપ માની લહે સત્ય છે એજ મન એમ સૂઝે

વ્રુક્ષ માં બીજ તું બીજમાં વ્રુક્ષ તું જોઉં પટંતરો એજ પાસે

ભણે નરસૈયો એ મનતણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે