જળકમળ છાંડી જા ને બાળા



જળકમળ છાંડી જા ને બાળા સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળહત્યા લાગશે

કહે બાળક તું મારગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળજ ખૂટ્યો અહિયાં તે શીદ આવીયો
નથી નાગણ હું મારગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટું રમતા નાગ નું શિષ હું હારીઓ

રંગે રૂડો રૂપે પૂરો દીસંતો કોડીલો કોડામણો
તારી માતાએ કેટલા જનમ્યા તેમાં તું અળખામણો
મારી માતાએ બેઉ જનમ્યા તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કહાનડો

લાખ ટકાનો મારો હાર આપું આપું તુજને દોરીયો
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીયો
શું કરું નાગણ હાર તારો શું કરું તારો દોરીયો
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીયો

ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડિયો
ઉઠોને બલવંત કોઈ બારણે બાળક આવીયો
બેઉ બળિયા બાથે વળગીયા કૃષ્ણે કાળીનાથ નાથિયો
સહસ્ત્ર ફેણો ફુંફવે જે ગગન ગાજે હાથીયો

નાગણ સૌ વિલાપ કરે કરે છે નાગને બહુ દુઃખ આપશે
મથુરા નગરીમાં લઇ જશે પછી નાગનું શિષ કાપશે
બેઉ કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને

અમે અપરાધી કંઈ ના સમજ્યા ન ઓળખ્યા ભગવંતને