આ જિંદગી ના ચોપડામાં



આ જિંદગી ના ચોપડામાં સરવાળો માંડજો
મનને મેતાજી કરી કામે લગાડજો -----   ---આ જિંદગી


આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું
કેટલી કમાણી કરી કેટલું છે દેવું
કાઢી સરવૈયું કોઈ સંત ને બતાવજો -------આ જિંદગી


કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી
કઈ યાદે ચાલી રહી રહી જિંદગીની ગાડી  
પ્રભુ પંથ પામવાને પાટા બદલજો ----------આં જિંદગી


જમા ને ઉધાર તણો કાઢજો તફાવત
કેટલી પ્રભુ ના નામે કરી છે બનાવટ
એક એક પાનું ચિંતનથી ચકાસજો ----------આ જિંદગી


કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા
માળા ના મણકા માં માધવને માપ્યા
તિલકથી બુધ્ધિની શુદ્ધિ વધારજો -----------આ જિંદગી


ગીતા ની વાત કહો કેટલી પચાવી
કેટલી કુટેવ કાઢી કેટલી બચાવી
સ્વાધ્યાય થી જીવનને સુંદર બનાવજો --------આ જિંદગી


ભાવ અને ભક્તિ માં મસ્ત બની રાચજો
એક એક ગામડે ગીતાને પહોચાડજો

કામ કરી દાદાના દિલને હલાવજો -------------આ જિંદગી