હરિને ભજતાં હજુ કોઈની


હરિને ભજતાં હજુ કોઈની લાજ જતા નથી જાણી રે
જેની સુરતા શામળિયા સાથ વદે વેદ વાણી રે


વહાલે ઉગાર્યો પ્રહલાદ હિરણાકંસ માર્યો રે
વિભીષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે


વ્હાલે નરસિંહ મેહતાને હાર હાથોહાથ આપ્યો રે
ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે


વ્હાલે મીરાં તે બાઈ ના ઝેર હળાહળ પીધા રે
પંચાળી ના પૂર્યા ચીર પાંડવ કામ કીધા રે


આવો હરિ ભજવાનો લ્હાવો ભજન કોઈ કરશે રે

કર જોડી પ્રેમળદાસભક્તોના દુઃખ હરશે રે