મુખડાની માયા લાગી રે


મુખડાની માયા લાગી રે મોહન પ્યારા  
મુખડાની માયા લાગી રે


મુખડું મેં જોયું તારું જગ સર્વ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા         ---મુખડાની


સંસારી નું સુખ એવું ઝાંઝવાના નીર જેવું
તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા       ----મુખડાની


સંસારી નું મુખ કાચું પરણીને રંડાવું પાછું   
તેને ઘેર શીદ જઈએ રે મોહન પ્યારા        ---મુખડાની  


પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો
રાંડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા        ----મુખડાની


મીરાંબાઈ બલિહારી આશા મને એક તારી રે

હવે હું તો બડભાગી રે મોહન પ્યારા           --મુખડાની