ગુર્જરી ની ગૃહકુંજે

ગુર્જરી ની ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે                        ---ગુર્જરી

આંખ અમારી ખુલી અહીં પહેલી પગલી ભરી અહીં પહેલી
અહીં અમારા યૌવન કેરી વાદળી ઓ વરસેલી                       ---ગુર્જરી

અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સુણી વસંતે
અષાઢ ના ધન ગર્જન ઝીલ્યા ઝણઝણતાં ઉરતંતે                   ---ગુર્જરી

અમે ભમ્યાં અહીંના ખેતર માં ડુંગર માં કોતર માં
નદીઓ માં નાહ્યાં આળોટ્યાં કુદરત પાનેતર માં                      ---ગુર્જરી

અહીં અમારાં તન ધન અર્પ્યા પૌરૂષ -પ્રાણ સમર્પ્યા
વિશ્વવાડી ને સુફલિત કરવા નસનસ થી રસ અરર્યાં                 ---ગુર્જરી

અહીં અમે રોયાં કલ્લોલ્યાં અહીં ઊઠ્યા પડછાયા
જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાયા            ---ગુર્જરી

સુન્દરમ