જનની ની જોડ

મીઠાં મધુને મીઠાં મેહુલા રે લોલ
એથી મીઠી છે મોરી માત રે                 
જનની ની જોડ સખી નહિ મળે રે લોલ.

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ
જગથી જુદેરી એની જાત રે                ---જનની ની

અમી થી ભરેલી આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે                ---જનની ની

હાથ ગૂંથેલા એનાં હીર ના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે                          ---જનની ની

દેવો ને દૂધ એનાં દોહ્યલાં રે લોલ
શશી એ સિંચેલ એની સોડ્ય રે              ---જનની ની

જગ નો આધાર એની આંગળી રે લોલ
કાળજાં માં કૈંક ભર્યા કોડ રે                   ---જનની ની   

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળ ના બાંધેલ એના પ્રાણ રે                    ---જનની ની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતાં ખૂટે ના એની લ્હાણ રે                      ---જનની ની

ધરતી માતા યે હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે                      ---જનની ની

ગંગા ના નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમ નો પ્રવાહ રે                       ---જનની ની

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ
માડી નો મેઘ બારે માસ રે                       ---જનની ની

ચળતી ચંદા ની દીસે ચાંદની રે લોલ

એનો નહિ આથમે ઉજાસ રે                   ---જનની ની