પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મોસમ નો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા- તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણ ના આભ માં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં- તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં- તમે યાદ આવ્યાં

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં- તમે યાદ આવ્યાં

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવ ની દુનિયા માં શોર થયો રામ

એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં- તમે યાદ આવ્યાં