મોંઘા મૂલ ની રે મહેંદી

મોંઘા મૂલ ની રે મહેંદી મેલી મારે હાથ
સાંવરિયા એ મોકલી મારા દેવરિયા ની સાથ

મારવાડ થી આવી મહેંદી હું અલબેલી નાર
જાગી સારી રાત મૂકી મેં કરી પ્રીતમ ની યાદ
ઘેલી ઘૂમતી રે એમાં સાહેલી ઓ નો સાથ        ---મોંઘા

સખીઓ પૂછે પૂછે પડોશી પૂછે વ્હાલેદાર
ક્યાંથી કોણે મોકલી અરે કોણે કરી શી વાત
ક્યારી ફૂલ ની રે એમાં મઘમઘતી સુવાસ           ---મોંઘા

રંગી હથેળી રંગીયું ને રંગ્યુ હૃદય પણ સાથ
લાલ ચટકતા રંગ માં નીરખું નાવલિયો સાથ

અરે રે ભૂલ થી રે મેં તો કહી દીધી છે વાત           ---મોંઘા

વાત બહાર જાય નહિ

વાત બહાર જાય નહિ --જાય નહિ-- જાય નહિ
આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈ ને કહેવાય નહીં

નામ રાખ્યું સુનયના ને આંખડીયું બાડી  
ડાહ્યાલાલ નો દીકરો ને વાતું કરે ગાંડી
ગાંડા ને ગાંડો કહી કદી બોલાવાય નહીં                      ---આ તો

હોયે કપૂત તોયે શેઠિયાનો સુત શાણો
ઉપર થી ફૂલ જેવો અંદર થી મોટો પાણો
કાંણા ને કાંણો કહી  કદી બોલાવાય નહિ                    ---આ તો  

હૈયું હળાહળ ને મધઝરતી જીભડી
જાવું હોય જામનગર ને પહોંચી જાય લીમડી

મૂર્ખાને મૂર્ખો કહી કદી બોલાવાય નહીં                       ---આ તો

જનની ની જોડ

મીઠાં મધુને મીઠાં મેહુલા રે લોલ
એથી મીઠી છે મોરી માત રે                 
જનની ની જોડ સખી નહિ મળે રે લોલ.

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ
જગથી જુદેરી એની જાત રે                ---જનની ની

અમી થી ભરેલી આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે                ---જનની ની

હાથ ગૂંથેલા એનાં હીર ના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે                          ---જનની ની

દેવો ને દૂધ એનાં દોહ્યલાં રે લોલ
શશી એ સિંચેલ એની સોડ્ય રે              ---જનની ની

જગ નો આધાર એની આંગળી રે લોલ
કાળજાં માં કૈંક ભર્યા કોડ રે                   ---જનની ની   

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળ ના બાંધેલ એના પ્રાણ રે                    ---જનની ની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતાં ખૂટે ના એની લ્હાણ રે                      ---જનની ની

ધરતી માતા યે હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે                      ---જનની ની

ગંગા ના નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમ નો પ્રવાહ રે                       ---જનની ની

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ
માડી નો મેઘ બારે માસ રે                       ---જનની ની

ચળતી ચંદા ની દીસે ચાંદની રે લોલ

એનો નહિ આથમે ઉજાસ રે                   ---જનની ની  

તારી બાંકી રે પાઘલડી

તારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે મને ગમતું રે
આ તો કહું છું રે પાતળિયા તને અમથું

તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગ નું અંગરખું તમતમતું રે મને ગમતું રે     ---આ તો

પારકો જાણી ને તને ઝાઝું શું બોલવું
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું
તને છેટો રે ભાળી ને મન ભમતું રે મન ભમતું રે       ---આ તો

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી
હરિયાળો ડુંગરો આવતો રે હાલી
લીંબુ ની ફાડ જેવી આંખડિયું ભાળી
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી
તારા રૂપ નું રે ફૂલ મઘમઘતું રે -મને ગમતું રે           ---આ તો  

કોણ જાણે કેમ મારી મન ની ભીતર માં એવું તે શું ભરાયું
એક મને ગમતો આભનો ચાંદો ને ને બીજો ગમતો તું
ઘર માં ખેતર માં કે ધરતી ના થર માં

તારા સપન-ન માં મન મારૂં રમતું રે -મને ગમતું રે               ---આ તો

વ્હાલમ ની વાતો

વ્હાલમ ની વાતો કંઈ વહેતી કરાય નહીં
હળવે થી હૈયા ને હલકું કરાય નહીં

ગુનગુન તા ભમરા ને કીધું કે દૂર જા
કળીઓ ના કાળજા માં પંચમ નો સૂર થા
ફોરમ ના ફળિયા માં ફોગટ ફરાય નહીં           --- હળવે થી

કુંજ કુંજ કોયલડી ને શીદ ને ટહુકતી
જીવન વસંત ભરી જોબનિયે ઝૂકતી
પાગલ ની પ્રીતિ કંઈ અમથી કરાય નહીં           ---હળવે થી

પાગલ ની આગળ આ અંતર ને ખોલવું
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું

ઘેલા ની ઘેલછા થી ઘેલા થવાય નહીં              ---હળવે થી

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મોસમ નો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા- તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણ ના આભ માં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં- તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં- તમે યાદ આવ્યાં

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં- તમે યાદ આવ્યાં

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવ ની દુનિયા માં શોર થયો રામ

એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં- તમે યાદ આવ્યાં

છાનું ને છપનું કંઈ થાય નહીં

છાનું ને છપનું કંઈ થાય નહીં થાય નહીં
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યાં છૂપાય નહીં
ઝાંઝર ને સંતાડી રાખ્યું રખાય નહીં

આંખ્યું બચાવીને આંખના રતનને
પડદામાં રાખી ને સાસુ નણંદ ને
ચંપાતા ચરણોં એ મળવું મળાય નહીં      
ઝમકે નાંઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં

નણદી ને નેપુર બે એવાં અનાડી
વ્હાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી
આવેલા સપના નો લ્હાવો લૂંટાય નહીં

ઝમકે ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં

પાંદડું લીલું ને રંગ રાતો

પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદી નો રંગ મદમાતો -મદમાતો        ---પાંદડું

ભૂલી રે પડી હું તો રંગ ના બજાર માં
લાગ્યો મને રંગ કેરો છાંટો                                ---પાંદડું

રેશમ ની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ તો જાણે ભૂલ રે ભૂલામણી
રૂપ ને ઘેરીને બેઠો ઘૂંઘટ નો છેડલો  
વાયરા ની લહેર માં લહેરાતો                           ---પાંદડું

રંગરસિયા તમે આટલે થી અટકો
દિલ ને લોભાવે તારા લોચન નો કટકો
વારી વારી ને થાકી તોયે છેલ રે છબીલા તું તો
અણજાણે આંખો માં છુપાતો                         ---પાંદડું

છૂપી છૂપી કોણે મારૂ દિલડું દઝાડ્યું
છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું
ક્યાંરે રે છુપાવું મારા દાઝેલા દિલને

હાય કાળજા ની કોરે લાગ્યો કાંટો                    ---પાંદડું

કહાં કે પથિક કહાં

કહાં કે પથિક કહાં કીન્હ હૈ ગમનવાં
કૌન ગામ કૌન ઠામ કે વાસી રામ
કે કારણ તુમ્હ તજ્યો હૈ ભવનવાં       ---કહાં

ઉત્તર દિસિ એક નગરી અયોધ્યા
રાજા દશરથ નૃપ વહાં હૈ ભવનવાં       ---કહાં

ગ્રામવાસી સહુ પૂછે સિયાસે
કૌનસો પ્રીતમ કૌનસો દેવરવા              ---કહાં

સિયા મુસુકાઈ બોલત મૃદુ બાની
સાઁવરો સો પ્રીતમ ગૌરસો દેવરવા          ---કહાં

તુલસીદાસ પ્રભુ આસ ચરનન કી

મેરો મન હાર લીન્હો જાનકી રામનવાં     ---કહાં

આપજે તારા અંતર નો એક તાર

આપજે તારા અંતર નો એક તાર બીજું હું કાંઈ ના માંગુ
સુણજે મારા આર્ત તણો પોકાર બીજું હું કાંઈ ના માંગુ         ---આપજે

તુમડું મારૂં પડ્યું નકામું કોઈ જુએ નહિ એના સામું
બાંધીશ તારા અંતર નો એક તાર પછી મારી ધૂન જગાવું        ---આપજે

એકતારો મારો ગુંજશે મીઠું દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું

ગીત ની રેલશે એક અખંડિત ધાર પછી એમાં મસ્ત થઈ રાચું   ---આપજે